RSS

શોલે + અશોક દવે.

28 જુલાઈ

 

અશોક દવે મારા ગમતા હાસ્ય લેખકો મા આવે. અને જ્યારે હાસ્ય લેખકોનો દુકાળ પડ્યો હોય ત્યારે વિરડી મીઠી જ લાગે. એક સમય એવો હતો કે દર બુધવારે “બુધવારની બપોરે” ની રાહ જોતો અને તે જ સમયે અશોક દવે એ ( કદાચ પહેલી વાર ) ફિલ્મી ગીતો વિષે એક લેખ લખવાનો ચાલુ કર્યો, બહુ જ ઉમદા લેખ લખ્યા તેમણે ગીતો વિષે, તે સમયે બ્લોગની સુવિધા નહોતી એટલે એ છાપાની કાપલી કાપીને આજ સુધી સાચવીને રાખી છે.

આથી અશોક દવે પર માન નહી પણ બહુમાન છે છતાં

તા. ૨૪મી મે ૨૦૧૩નાં ગુજરાતી દૈનિક ‘ગુજરાત સમાચાર’ની પૂર્તિ ‘ચિત્રલોક’ માં અમદાવાદનાં લેખક અશોક દવેની અઠવાડિક કોલમ ‘ફિલ્મ ઇંડિયા’ માં આ ફિલ્મનો રિવ્યુ તેમણે લખ્યો છે. આ રિવ્યુનાં ૭ (સાત)મી કોલન નાં છેલ્લા ફકરામાં ભાઇએ લખ્યું છે એના જ શબ્દોમાં વાંચો.

“આનંદ બક્ષીએ આટલી મોટી ફિલ્મ મળી હોવા છતાં આજ સુધી ન લખ્યા હોય એવા એક પછી એક ઘટીયા ગીતો ‘શોલે’માં લખ્યા. કમનસીબે આહ ફિલ્મ ‘શોલે’થી રાહુલદેવ બર્મનનાં વળતા પાણી શરૂ થયા. આખી ફિલ્મમાંથી એનાં ગીતો સિવાય અન્ય ભાગ્યે જ કોઇ ટીકા કરી શકાય એવું હતું.”

 

તો ભાઇ અશોક દવે, આપ ખુબ મોટા ગજાનાં લેખક હોવા છતાંયે આપનું જો આ સ્તરનું જ્ઞાન હોય તો માફ કરશો પણ એવું કહેવું પડશે કે તમે હજુ ખાંડ ખાવ છો. ભલે તમને ડાયાબિટીસ હોય છતાં પણ, સાહેબ તમે અહીં કાચા પડ્યા. કારણ કે આ ફિલ્મ અને આ ફિલ્મનાં ગીતો આજ ‘દિ’ લગણ સુપર ડુપર હિટ થી યે ઉપર રહ્યા છે સાહેબ મારા! આનંદ બક્ષીની વાત તો છોડો પણ ‘શોલે’ પહેલાં અને પછી પણ રાહુલદેવનાં વળતા પાણી નહોતાં શરૂ થયાં પણ પાણી હવે તો છજાથી લઇને છત સુધી પહોંચવા માંડ્યા હતાં. જરા આ યાદી જુઓ. શોલે પહેલાં તો તમે લખ્યું તેમ પંચમ હિટ હતાં એટલે શોલે પછીની તેમની ઇનિંગ પર નજર નાંખીએ. શોલે આવ્યું ૧૯૭૫માં પછી રાહુલદેવ ઇન્ડ્સ્ટ્રીમાં થોડા ઘણાં  ૧૫-૧૮ વર્ષ સક્રિય રહ્યા અને આ દરમ્યાન તેમને તેમની કારકિર્દીનો પહેલો ફિલ્મફેર પણ મળ્યો હતો, ફિલ્મ ‘સનમ તેરી કસમ’ માટે. અને તેમની બીજી નોંધપાત્ર અને મેં જેમ ઉપર લખ્યું તેમ સુપર થી ઉપર ડુપર થી યે ક્યાંય ઉપર એવી હિટ ફિલ્મોની વણઝાર આપેલી, ૧૯૭૬માં ‘મહેબુબા’ અને ‘બાલિકા બધુ’, તો ૧૯૭૭માં ‘કિતાબ’, ‘કિનારા’, ‘મુક્તિ’ અને ‘હમ કિસીસે કમ નહીં’. આ ફિલ્મની અત્યાર સુધીની સૌથી વધુ રેકોર્ડ વેચાયેલી. તો ૧૯૭૮માં, ‘ઘર’, ‘કસ્મે વાદે’, દેવતા’ અને ‘શાલિમાર’. ૧૯૭૯માં ‘ધ ગ્રેટ ગેમ્બલર’ અને ‘ગોલમાલ’. ૧૯૮૦માં ‘ખુબસુરત’, ‘ધ બર્નિંગ ટ્રેન’, ‘સિતારા’ અને ‘અબ્દુલ્લા’. ‘શાન’ જેનો ઉલ્લેખ આપે આપની કોલમમાં કર્યો છે તે ૧૯૮૦માં આવી. જેનાં ગીતો આજે પણ લોકો ગાય છે અને મોજેથી સાંભળે પણ છે. એક પણ ઓર્કેસ્ટ્રાની નાઇટ એવી નથી હોતી કે જેમાં ‘શાન’ અને ‘શોલે’ નાં ગીતો ની ફરમાઇશ ન થઇ હોય. આ સાબિત કરે છે કે પંચમ શું હતાં. ‘શોલે’ ફિલ્મનાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય કે ફિલ્મનું સંગીત… આર.ડી.એ, એ જમાનામાં ફિલ્મ ૧૯૭૫માં રીલીઝ થઇ માટે ૧૯૭૩-૭૪ની સાલમાં ટાંચા સાધનો સાથે પણ એવું શ્રેષ્ઠ સંગીત આપ્યું છે અને મિક્સીંગ કર્યુ છે કે જે આજની તારીખે કરવામાં અને એ પણ આટલી ટેક્નોલોજી આગળ વધી ગઇ હોવા છતાં પણ સંગીતકારોને ફિણ લાવી દે. એ પંચમે એ વર્ષોમાં કર્યું.

રાહુલદેવને તેમની સંગીતકાર તરીકેની ૧૯૬૧થી લઇને ૧૯૯૪ સુધીની કારકિર્દીમાં કુલ ૧૭ તો વખત ફિલ્મફેર એવોર્ડમાં નોમીનેશન મળ્યા છે. જે નાની સુની ઉપલબ્ધી નથી એ પણ એ વખતે જ્યારે એવોર્ડ માટે રીતસરની હરીફાઇ થતી. માટે એક યાદી જુઓ. ૧૯૭૨માં ફિલ્મ ‘કારવાં’ માટે, ૧૯૭૪માં ફિલ્મ ‘યાદોં કી બારાત’ માટે, ૧૯૭૫માં ફિલ્મ ‘આપ કી કસમ’ માટે, ૧૯૭૬માં ફિલ્મ ‘શોલે’ અને ‘ખેલ ખેલ મેં’ માટે, ૧૯૭૭માં ફિલ્મ ‘મહેબૂબા’ માટે, ૧૯૭૮માં ફિલ્મ ‘હમ કિસીસે કમ નહીં’ અને ‘કિનારા’ માટે, ૧૯૭૯માં ફિલ્મ ‘શાલિમાર’ માટે, ૧૯૮૧માં ફિલ્મ ‘શાન’ માટે, ૧૯૮૨માં ફિલ્મ ‘લવ સ્ટોરી’ માટે, ૧૯૮૩માં ફિલ્મ ‘સનમ તેરી કસમ’ માટે જેમાં તેમને ફિલ્મફેર એવોર્ડ મળેલો. ૧૯૮૪માં ‘માસૂમ’ અને ‘બેતાબ’ માટે. ફિલ્મ ‘માસૂમ’ માટે ફરી બીજો ફિલ્મફેર એવોર્ડ મળેલો. ૧૯૮૫માં ફિલ્મ ‘જવાની’ માટે અને ૧૯૮૬માં ‘સાગર’ માટે તેમને ફિલ્મફેરમાં નોમિનેશન મળેલું. આ ફિલ્મોનાં ગાયકોને તો ફિલ્મફેર પણ મળેલા જ. અને અશોકભાઇ આ ફિલ્મોમાંથી ઘણી ફિલ્મો ૧૯૭૫નાં ‘શોલે’ પછી પણ આવેલી છે, પંચમને તેની કારકિર્દીનાં બંને ફિલ્મફેર એવોર્ડ ‘શોલે’ પછી જ મળેલા.

રહી વાત આનંદ બક્ષી સાહેબની તો લેખક સલિલ દલાલની પુસ્તક ‘ગાતા રહે મેરા દિલ’ નાં પાના નં ૧૩૩ થી ૧૫૫ સુધી વાંચી ‘લેજો’. આનંદ બક્ષી શું હતાં સમજાય જશે.

સાહેબ તમારું હોમવર્ક સારું જ હોય છે પણ માફ કરશો આ વખતે તમે કાચા પડ્યા.)

અશોક દવેનો લેખ આ પ્રમાણે હતો

==============================

24/05/2013

 

ફિલ્મ : ‘શોલે'(‘૭૫) ૭૦ MM

નિર્માતા : જી. પી. સિપ્પી

દિગ્દર્શક : રમેશ સિપ્પી

સંગીત : રાહુલદેવ બર્મન

ગીતકાર : આનંદ બક્ષી

રનિંગ ટાઈમ : મૂળ લંબાઈ ૨૦૪

મિનીટ્સ સુધારેલી લંબાઈ ૧૮૮ મિનીટ્સ

થીયેટર : રૂપાલી (અમદાવાદ)

 

કલાકારો : અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, સંજીવકુમાર, હેમા માલિની, જયા ભાદુરી, અમજદ ખાન, એ. કે. હંગલ, અસરાની, જગદીપ, સત્યેન કપ્પૂ, અરવિંદ જોશી, શરદ કુમાર, ઈફ્તિખાર, પી. જયરાજ, મેકમોહન, વિજુ ખોટે, ગીતા સિદ્ધાર્થ, માસ્ટર અલંકાર જોશી, લીલા મિશ્રા, વિકાસ આનંદ, બિરબલ, કેશ્ટો મુકર્જી, સચિન, મેજર આનંદ, બિહારી, ભગવાન સિન્હા, જેરી, ભાનુમતિ, મુસ્તાક મર્ચન્ટ, મામાજી, રાજકિશોર, હબીબ, જલાલ આગા, રાજન કપૂર, કેદાર સહગલ, ઓમ શિવપુરી અને હેલન.

 

***

ગીતો :

૧. કોઈ હસિના જબ રૂઠ જાતી હૈ તો એક, દો, તીન હો જાતી હૈ કિશોર-હેમા માલિની

૨. હોલી કે રંગ જબ ખીલ જાતે હૈ, રંગો મે લતા-કિશોર કુમાર

૩. યે દોસ્તી હમ નહિ છોડેંગે, છોડેંગે દમ અગર તેરા સાથ મન્ના ડે, કિશોર

૪. મેહબૂબા મેહબૂબા, ગુલશન મેં ફૂલ ખીલતે હૈં પંચમ (આર.ડી.)

૫. આ જબ તક હૈ જાન, જાને જહાં મૈં નાચૂંગી લતા મંગેશકર

૬. આ શરૂ હોતા હૈ ફિર બાતોં કા મૌસમ મન્ના ડે, કિશોર, ભૂપેન્દ્ર, આનંદ બક્ષી

૭. તૂને યે ક્યા કિયા, બેવફા બન ગયા, વાદા તોડ કે કિશોર કુમાર

(ગીત નં. ૬ ઓરિજીનલ પ્રિન્ટમાં ય લેવાયું નહોતું. ફક્ત તેની રેકોર્ડ બની હતી.)

 

***

ફિલ્મ ‘શોલે’ની અસલી પ્રિન્ટ જોવા મળી, એ પહેલા યૂ-ટયૂબ પર અસલી ‘શોલે’માં હતા, એ દ્રષ્યો જોઈ લીધા હતા, જેમ કે મૂળ ફિલ્મમાં ઠાકૂર (સંજીવકુમાર) ગબ્બરસિંઘ (અમજદ ખાન)ને મારી નાંખે છે. ઈમામ સાહેબના પુત્ર આહમદ (સચિન)ની હત્યા ગબ્બર બહુ ક્રૂર રીતે કરે છે કે ગબ્બરને મારવાના પ્લાનરૂપે ઠાકૂર એના બુઢ્ઢા નોકર (સત્યેન કપ્પૂ) પાસે જૂતાંની નીચે ખીલ્લા નંખાવે છે… વગેરે વગેરે. એટલે એવી અસલી આખી ફિલ્મની ડીવીડી જોવા મળી, એટલે ૩૭ વર્ષો પહેલાનું રૂપાલી થીયેટર યાદ આવ્યું, જ્યારે પહેલા આખા વીકમાં થીયેટર ઉપર કાગડા ઊડતા હતા. ત્યાં સુધી અમદાવાદ જ નહિ, આખા દેશમાં મોટા ભાગના પ્રેક્ષકોને પહેલા સપ્તાહમાં રામ જાણે કેમ, પણ આ ફિલ્મ ખાસ ગમી નહોતી. હવા ધીરે ધીરે જામવા માંડી અને પછી એવી જામી કે ભારતમાં બનેલી કોઈપણ ફિલ્મ કરતા આ ફિલ્મ સર્વોત્તમ સોપાને પહોંચી ગઈ. આજ સુધી આટલી સફળ એકે ય ફિલ્મ ભારતમાં બની નથી.

 

મુંબઈના એકલા મિનર્વા થીયેટરમાં જ આ ફિલ્મ સળંગ પાંચ વર્ષ ચાલી. ભારતના સેન્સર બોર્ડને વાંધો હતો ગબ્બરસિંઘ મરી જાય એમાં. નીતિમત્તાના ધોરણો જાળવવા ઠાકૂર કાયદો હાથમાં લઈને ગબ્બરને ખતમ કરી નાંખે, એ મંજુર નહોતું. સચિનને મારી ભલે નાંખો, પણ કેવી રીતે માર્યો, એ ન બતાવો. સિપ્પીઓને એ દ્રશ્યો નવેસરથી શૂટ કરીને વાર્તામાં થોડો બદલાવ લાવવો પડયો, જે આપણે ‘૭૫ની સાલમાં જોયો હતો. આમ તો અસલી ફિલ્મને મરોડવામાં આવી, તેથી પ્રેક્ષકોના રસને ખાસ કોઈ અસર થઈ નહોતી. એક જીવ બળી જાય, મૂળ ફિલ્મની વાર્તા મુજબ, સંજીવ કુમાર, અમજદ ખાનને મારી નાંખે છે (પોતાના પગોથી કૂચલીને) એ પછી સંજીવનો સાયલન્ટ અભિનય કોઈ મોટા કલાસનો હતો. પોતાના પરિવારને ક્રૂરતાથી રહેંસી નાંખનાર ગબ્બરને ફક્ત પોતાના હાથે (હાથ તો ગબ્બરે કાપી નાંખ્યા હતા, એટલે પોતાના પગે) કૂચલી કૂચલીને મારી નાંખવાનો મનસૂબો પોતાના અને રામગઢના જાનના જોખમે રાખનાર સંજીવના હાથમાં એટલે કે પગમાં છેવટે અમજદ આવે છે, ત્યારે એ જ મનસૂબો પાર પાડવાની તો ખુશી થવી જોઈતી હતી ઠાકૂરને… થઈ હશે, પણ એ મકસદ પૂરો થઈ ગયા પછી એમના જીવનમાં કાંઈ બાકી જ ન રહ્યું, એનો વિષાદ કે પૂર્ણ સંતોષ આવી ગયા પછી સંજીવનો વગર સંવાદે કેવળ હાવભાવથી જે અભિનય કર્યો છે, તે થોડી ક્ષણોને કારણે જ કદાચ જાણકારો સંજીવને ભારતના પ્રથમ પાંચ ટોપ એક્ટરોમાં મૂક્તા હશે.

 

અભિનયને સમજતા વિદ્વાનોના મતે ફિલ્મમાં ટુંકો પણ સર્વોત્તમ અભિનય બુઝુર્ગ સ્વ. અવતાર કિશન હંગલે આપ્યો છે. ‘યે ઈતના સન્નાટા ક્યું હૈ, ભાઈ?’ આ એક નાનકડા સંવાદે હંગલને દેશભરમાં ખ્યાતિ અપાવી. તો બીજી બાજુ, ફિલ્મમાં જેમના ચેહરા પણ ભાગ્યે જ દેખાય છે, તેવા મેકમોહન (સામ્ભા) અને વિજુ ખોટે (કાલીયા) એમના પાત્રોને કારણે જગમશહૂર થઈ ગયા. માહૌલ મુજબ, હવે જેમને ‘થ્રી ઈડિયટ્સ’ વાળા શર્મન જોશીના ફાધર તરીકે ઓળખવા પડે, તે અરવિંદ જોશીથી ઊંચું નામ ગુજરાતી તખ્તા ઉપર બસ, કોઈ બે-ચાર કલાકારોનું માંડ હશે, એવા ઊંચા ગજાના આ કલાકારે જસ્ટ બીકોઝ… હિંદી ફિલ્મમાં ચમકવા મળે છે, માટે તો આવો સ્તર વગરનો રોલ નહિ સ્વીકાર્યો હોય. સાલું ભારતીય લશ્કરમાં તમે સરસેનાપતિ હો અને અમેરિકન લશ્કરમાં તમને ખૂણામાં ભાલો પકડાવીને ઊભા કરી દે, એમાં પ્રતિષ્ઠા આપણી જાય… કારણ ગમે તે આપો!

 

આજે તો ભારતની આજ સુધીની તમામ ફિલ્મોના એક માત્ર સર્વશ્રેષ્ઠ હીરો તરીકે જેની ગણના થાય છે, એ અમિતાભ બચ્ચને પણ આ ફિલ્મમાં ‘જય’નો રોલ મેળવવા કાવાદાવા અને રાજકારણ ખેલવું પડયું હતું, કારણ કે, જયનો એ રોલ મૂળ તો શત્રુધ્ન સિન્હાને મળવાનો હતો, પણ અમિતાભે રમેશ સિપ્પીને ખૂબ સમજાવ્યા કે, કઈ કઈ રીતે આ રોલ કરવા માટે હું પરફેક્ટ છું, એ પછી શત્રુભ’ઈ ખામોશ થઈ ગયા.

 

આવી રમુજ ‘કિસ ગાંવ કા હૈ ટાંગા, બસન્તી…’વાળા વીરૂ ઉર્ફે ધર્મેન્દ્રને પણ થઈ હતી. ફિલ્મની વાર્તા સાંભળ્યા પછી ઠાકૂર બલદેવસિંહવાળો રોલ કોઈપણ હિસાબે એને જોઈતો હતો, પણ સિપ્પીએ સમજાવ્યો કે, ‘… તો પછી વીરૂવાળો રોલ સંજીવ કુમારને આપવો પડશે ને હીરોઈન હેમા માલિની સંજીવ લઈ જશે.’ ધરમો તાબડતોબ સમજી ગયો કારણ કે ખતરો હતો. સંજીવ કુમારે ઉઘાડે છોગ હેમા માલિની માં જયા ચક્રવર્તિ પાસે હેમાનો હાથ માંગ્યો હતો અને ભાઈ લટ્ટુ પણ ઘણા હતા. ધરમાએ તાત્કાલિક પ્રવાહ બદલી નાંખ્યો અને ડાહ્યો થઈને ચૂપચાપ વીરૂ બની ગયો. ફિલ્મના અંતે નાળા ઉપરના બ્રીજ પાસેના શૂટિંગ વખતે એક ગમખ્વાર ઘટના બનતા બનતા સહેજમાં રહી ગઈ. ધર્મેન્દ્રની પિસ્તોલમાંથી અચાનક છુટેલી ગોળી અમિતાભને સહેજમાં વાગતી રહી ગઈ.

 

સંજીવ બદનામ પણ ખૂબ થયો, ‘શોલે’ના નિર્માણ દરમ્યાન. ફિલ્મનું શૂટિંગ બેંગાલૂરૂ પાસેના ‘રામનગરમ’ ખાતે ચાલતું હતું, જ્યાં સિપ્પીએ આખા ગામનો તોતિંગ ખર્ચે સેટ ઊભો કર્યો હતો. સહુ જાણે છે કે, અમિતાભ ઘડિયાળના કાંટે શૂટિંગ પર પહોંચી જાય ને સહુ એ પણ જાણે છે કે, શૂટિંગના સમયને સંજીવ સાથે કોઈ લેવાદેવા નહિ. એ મોડો જ આવે. અને મોડો એટલે ઘણો મોડો. આખું યુનિટ સવારે ૭ વાગે તૈયાર હોય ત્યારે હરિભાઈ ૧૨ વાગે તો હોટેલ પરથી નીકળે. વિવાદ ટાળવા સિપ્પીએ સંજીવનો રોજનો સમય જ ૧૨ પછીનો કરી નાંખ્યો. વિખ્યાત પત્રકાર શોભા ડે દેખાવમાં તો આજે ય સેક્સી લાગે છે. હરિભાઈ ચિક્કાર પીને એની ઉપર વધુ પડતા આસક્ત થઈ ગયા અને હોટેલમાં પોતાની રૂમમાં બોલાવીને જબરદસ્તી શરૂ કરી દીધી. આ વાત શોભાએ પોતે માન્ય મેગેઝિનમાં લખી છે કે, ‘હૂ મારં રક્ષણ કરવા પૂરતી સશક્ત અને સંજીવ ચિક્કાર પીધેલો ન હોત તો… પછી શું થયું હોત, તે ધારણાનો વિષય છે.’ આખી ફિલ્મમાં હેમા માલિની સાથે સંજીવ કુમારનું એક પણ દ્રશ્ય નથી. હેમા પાછળ આદુ ખાઈને પડેલા સંજીવનું મોઢું પણ જોવા એ માંગતી ન હોવાથી ફિલ્મની વાર્તામાં એ બન્નેને એક દ્રષ્યમાં ભેગા જ કરવામાં આવ્યા નહિ.

 

ગબ્બરસિંઘનો રોલ પહેલો ડેની ડેન્ઝોંગ્પાને સોંપાયો હતો, પણ ડેની ફીરોઝખાનની ફિલ્મ ‘ધર્માત્મા’ના શૂટિંગ માટે અફઘાનિસ્તાનમાં બિઝી હતો, એટલે ફિલ્મ સ્વીકારી ન શકયો ને રોલ અમજદ ખાનને મળ્યો. જોકે, ફિલ્મના જોડીયા વાર્તા લેખકો પૈકીના (સલીમ) જાવેદને અમજદનો અવાજ ગબ્બર માટે ફિટ નહિ પણ પાતળો લાગતો હતો ને એમણે સિપ્પીને, અમજદને બદલી નાંખવાની ભલામણ કરી, જે સ્વીકારાઈ નહિ. ઠાકૂરની હવેલી પાસે ખડક પર ઊભા ઊભા બંદૂક ફોડતો યુવાન શરદકુમાર છે, જે તનૂજાની સામે ફિલ્મ ‘પૈસા યા પ્યાર’માં સેકન્ડ હીરો હતો. ‘દો લબ્ઝો કી હૈ, દિલ કી કહાની’ના અમિતાભવાળા ગીતમાં ફ્રેન્ચ ભાષામાં ”આ મોરે મીયો…” પણ શરદે ગાયું છે. આ પાનાં ઉપર ‘શોલે’ના ગીતોની યાદીમાં છઠ્ઠું ગીત કવ્વાલી હતી, પણ ફિલ્મની લંબાઈ વધી જતા, કાઢી નાંખવામાં આવ્યું. સુરમા ભોપાલીનો રોલ વાસ્તવિક્તામાં લેખક સલિમે તેના એક ઓળખીતા વેપારી ઉપરથી ઘડયો હતો. કોમેડિયન જગદીપને એ વ્યક્તિની બોલચાલ અને હાવભાવનો છાનોમાનો અભ્યાસ કરવાનું કામ સોંપાયું, તે કર્યું તો ખરું, પણ ફિલ્મ રીલિઝ થયા પછી પેલો અસલી વેપારી બગડયો હતો, કારણ કે મૂળ તો એ ફોરેસ્ટ ઓફિસર હતો પણ ફિલ્મમાં સુરમા ભોપાલીને લાકડાકાપુ ઠેકેદાર જેવો બનાવાયો હતો, એમાં પેલો ગીન્નાયો હતો. લેખક સલિમ આમ તો સલમાન ખાનના ફાધર તરીકે વધુ ઓળખાય છે, પણ ‘શોલે’ના જય અને વીરૂ સલિમના કોલેજકાળના બે દોસ્તોના વાસ્તવિક નામો છે, ‘જયસિંઘરાવ કાલેવર’ જે ખેતરમાં શાકભાજી ઉગાડતો ખેડૂત હતો અને બીજો ઈન્દોરની ખજરાણા કોઠીના જાગીરદારનો છોકરો વિરેન્દ્રસિંઘ બિયાસ હતો. એ બન્ને આજે તો મૃત્યુ પામ્યા છે. આમ તો બધાને ખબર છે કે, સલમાન ખાનની માતા સલમા મૂળ હિંદુ છે. તેના પિતા ઠાકૂર બલદેવસિંઘના અસલી નામ પરથી સંજીવકુમારનું નામ ઠાકુર બલદેવસિંઘ રાખવામાં આવ્યું છે. આજે પણ સલિમ ખાનના આ સસુરજીનું દાંતનું દવાખાનું મુંબઈના માહિમમાં છે.

 

હેમા માલિનીની ‘મૌસી’ બનતી લીલા મિશ્રા સાથે, ‘અરે, મૌસી, અબ આપકો કૈસે સમઝાઉં…’ વાળી આખી સીચ્યૂએશન વાસ્તવમાં બનેલી છે અને તે પણ સલિમ-જાવેદ સાથે જ. જાવેદ હની ઈરાનીના પ્રેમમાં હતો, જે પારસી છે. તેની મમ્મીને વાત કરવા જાવેદે સલીમને મોકલ્યો હતો ને સલીમે પૂરો ભાંગડો વાટી નાંખ્યો… જેમ અમિતાભ ધરમના વખાણ કરવાને બદલે મજાક-મજાકમાં બદનામ કરી નાંખે છે.

 

એવી જ રીતે, ફિલ્મમાં ટ્રેનની જે સીકવન્સ છે તે મુંબઈ-પૂણે લાઈન પર પનવેલ જતા શૂટ કરવામાં આવી હતી, જેના શૂટિંગમાં ૨૦ દિવસ ગયા હતા.

 

ક્યાંક દિગ્દર્શકનું બેધ્યાન પણ તરત નજરે ચઢે એવું છે. સંજીવ કુમાર વેકેશનમાં ઘેર પાછો આવે છે, ત્યારે પરિવારની પાંચ લાશો પડી હોય છે, એમાં સૌથી નાના બાળક (માસ્ટર અલંકાર)ના શબ ઢાંકેલા શબ પરથી કપડું ખસેડે છે, જે પવનમાં દૂર ફંગોળાઈ જાય છે. તરતના દ્રષ્યમાં એ કપડું બાળકના મોંઢે સલામત ગોઠવાઈ જાય છે. એવી જ રીતે, બસંતી ભગવાન શંકરના મંદિરે ચાલતી આવે છે, પણ પાછી પોતાના ટાંગામાં જાય છે. જલ્દી માનવામાં નહિ આવે, પણ આવી ઉત્તમ ફિલ્મ બનવા છતાં ‘શોલે’ને ફક્ત એક જ ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો અને તે પણ એડિટીંગ માટેનો. મોટા ભાગના એવોડર્સ યશ ચોપરાની ફિલ્મ ‘દીવાર’ લઈ ગઈ હતી, જે અમદાવાદના અલંકાર સિનેમામાં આવ્યું હતું. નટરાજમાં સંજીવ-સુચિત્રા સેનનું ‘આંધી’, શ્રી કે શિવમાં ઉત્તમ કુમારનું ‘અમાનુષ’, નોવેલ્ટીમા આ જ અમિતાભ ધર્મેન્દ્રનું ‘ચુપકે ચુપકે’, મોડેલમાં રાજ કપૂરનું ‘ધરમ-કરમ’, એલ.એન.માં ફિરોઝ ખાનનું ‘કાલા સોના’, કૃષ્ણમાં અમિતાભ-જયાનુ ‘મિલી’, અશોકમાં મૌસમી ચેટર્જીનું ‘નાટક’, પ્રકાશમાં વિનોદ ખન્ના, લીના ચંદાવરકરનું ‘કૈદ’, રૂપમમાં મનોજકુમારનું ‘સન્યાસી’, રીગલમાં અમિતાભ-સાયરા બાનુનું ‘ઝમીર’ અને દેવ આનંદનું ‘વોરન્ટ’ લાઈટ હાઉલમાં ચાલતું હતું.

 

આનંદ બક્ષીને આટલી મોટી ફિલ્મ મળી હોવા છતાં આજ સુધી ન લખ્યા હોય એવા એક પછી એક ઘટીયા ગીતો ‘શોલે’માં લખ્યા. કમનસીબે આજ ફિલ્મ ‘શોલે’થી રાહુલદેવ બર્મનના વળતા પાણી શરૂ થયા. આખી ફિલ્મમાંથી એના ગીતો સિવાય અન્ય ભાગ્યે જ કોઈ ટીકા કરી શકાય એવું હતું. સિપ્પીની એ પછીની ‘શાન’માં ય પંચમ નિષ્ફળ ગયો. ‘સાગર’નું એકાદું ગીત લોકોને ગમ્યું. આ જ ફિલ્મમાં ધર્મેન્દ્ર હેમા માલિનીને બાહુપાશમાં વારંવાર લેવા મળે, એટલે ઝાડ પરથી ફળ તોડવા બંદૂક ફોડવાના દ્રષ્યો વખતે ધરમે યુનિટના કોઈ માણસને ફોડીને વારંવાર એ શોટ લેવડાવ્યો, જેમાં બન્ને પડી જાય છે, એકબીજાની ઉપર! આ જ ફિલ્મ બનતી હતી તે વખતે બચ્ચનપુત્રી શ્વેતા જયાના પેટમાં હતી, એટલે એવા પેટે જયા શોટ ન આપી શકે એ માટે પણ વાર્તામાં ઝીણકા ઝીણકા ફેરફારો કરવામાં આવ્યા હતા.

 
1 ટીકા

Posted by on જુલાઇ 28, 2013 in Uncategorized

 

One response to “શોલે + અશોક દવે.

  1. nivarozin rajkumar

    જુલાઇ 28, 2013 at 10:39

    તમારી વાત સાચી છે………..અશોકભાઇએ કદાચ ક્લાસિકલ ગીતો મીસ કર્યા લાગે છે…..બાકી આર ડી એ એમની ઇમેજ અનુસારના ગીતો આપ્યા જ છે…..મહેબૂબા એ તો ધૂમ મચાવી હતી…ને બાકીના ગીતો પણ ફ્રેંન્ડશીપ ડે કે હોળી જેવા પ્રસંગે હજુ વગડવામાં આવી રહ્યા છે……….તમારી વાત સાચી છે..

     

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: