RSS

શું શ્રેષ્ઠ ?? અગ્નીસંસ્કાર કે ભુમીસંસ્કાર ?

03 નવેમ્બર

પ્રકૃતી સામેની દુનીયાની સૌથી ઘાતક પરમ્પરા પર દૃષ્ટીપાત

 

શું શ્રેષ્ઠ ??  

 

અગ્નીસંસ્કાર કે ભુમીસંસ્કાર ?

 

–વીનોદ વામજા

 

♦     દેશમાં દર વર્ષે મૃતદેહના અગ્નીસંસ્કારથી …..

(૧)   રુપીયા ૨,૦૦૦ કરોડનાં લાકડાં બળી જાય છે.

(૨)   ૧૦,૦૦૦ હૅક્ટર જંગલનાં વૃક્ષો કપાય છે.

(૩)   દર વર્ષે અંદાજે ૧ કરોડ ટન માટીની ફળદ્રુપતા નાશ પામે છે.

(૪)   પ્રકૃતી, પર્યાવરણને અબજોનું નુકસાન થાય છે.

(૫)   ૨૦-૨૫ % હીન્દુઓ ભુમીદાહ પદ્ધતી અપનાવે છે.

(૬)   દફન કરતાં બાળવામાં ૧૦૦ ગણી જમીન રોકાય છે.

 

♦    કુદરતી/વૈજ્ઞાનીક રીતે આદર્શ અન્તીમક્રીયા કઈ ?

 

(૧)  વીદ્યુત/ગૅસ સ્મશાનગૃહમાં એક નાના ગામ કે કારખાના જેટલી વીજળીનો વ્યય થાય છે અને હવામાન પ્રદુષીત થાય છે.

(૨)   ભુમીદાહ એ માત્ર મુસ્લીમ/ખ્રીસ્તીઓની જ પદ્ધતી નથી; તે ધર્મોના ઉદ્‍ભવ પહેલાં પણ હતી. પુરી દુનીયાની છે.

(૩)   દુનીયાની દૃષ્ટીએ અગ્નીદાહ હીંસક તથા ક્રુર છે.

(૪)   કુદરતી/વૈજ્ઞાનીક રીતે ભુમીસંસ્કાર શ્રેષ્ઠ છે.

દુનીયામાં સૌથી વધુ લોકો (ખ્રીસ્તી, મુસ્લીમ, યહુદી તથા અન્ય ધર્મો સહીત ૭૫%થી ૮૦%) દફન પદ્ધતી અપનાવે છે. બાળવાની પદ્ધતી માત્ર હીન્દુઓમાં જ છે; તે પણ ૭૫% માં જ છે. દેહદાન ઉત્તમ છે પણ તેની જરુરીયાત કુલ મરણના માત્ર ૦.૨%ની જ હોય છે.

એક મૃતદેહને બાળવા માટે ૧૫ થી ૨૦ મણ (૩૦૦ થી ૫૦૦ કીલો) લાકડાં જોઈએ છે. આઝાદી પછી વસ્તી ત્રણ–ચાર ગણી થઈ. પહેલાં બાળમરણ વધારે હતાં. બાળશબનું માત્ર દફન જ કરાતું. હવે માત્ર ગુજરાતમાં જ વર્ષે ૨૦૦ કરોડ રુપીયાનાં લાકડાં જોઈએ છે. તો પુરા દેશમાં કેટલા જોઈએ ….??? તે ૧૦ હજાર હૅક્ટર જંગલના નાશ બરાબર થાય. આવો બગાડ તો આપણે સદીઓથી કરતા આવ્યા છીએ. પ્રકૃતીને જે નુકસાન થયું તેની તો કલ્પના જ ન થઈ શકે. વર્ષોથી આપણે વીદેશથી, ઈમારતી લાકડાં આયાત કરી અબજોનું હુંડીયામણ ગુમાવ્યું. બાકી આ ફળદ્રુપ ભુમીમાં અબજોનું હુંડીયામણ સામું મેળવ્યું હોત. કેટલીય લોકોપયોગી યોજનાઓ પણ થઈ શકી હોત.

 

એક મૃતદેહના દહનથી તેના વજન કરતાં ૭ થી ૮ ગણાં લાકડાંનો નાશ થાય છે. જો કે હીન્દુઓમાં ત્રણેય પ્રકાર છે. અગ્નીદાહ પ્રમાણમાં વધારે છે. જલદાહ અને ભુમીદાહ પણ છે. બાવાજી, ઠાકોર, દેવીપુજક (વાઘરી) તથા પછાત અને આદીવાસી જાતીઓમાં દફન કરવામાં આવે છે. જે લગભગ ૨૦% થી ૨૫% છે. તમામ હીન્દુ જાતીનાં બાળશબનો ‘ભુમીસંસ્કાર’ જ થાય છે. એટલું જ નહી; પરન્તુ સાધુ, સન્તો, મહન્તો તથા શહીદોની સમાધી કે ખાંભી એ એક પ્રકારનું દફન જ છે, જે શાસ્ત્રોક્ત છે.

 

કુદરતમાં સજીવો મુખ્યત્વે વનસ્પતી અને પ્રાણી છે. તે બન્ને એકબીજાનાં આધાર અને પુરક છે. પશુ, પક્ષી, મનુષ્ય હવામાંથી પ્રાણવાયુ ગ્રહણ કરી અંગારવાયુ કાઢે છે. જ્યારે વનસ્પતી અંગારવાયુ શોષીને પ્રાણવાયુ મુક્ત કરે છે. તેવી જ રીતે પશુપક્ષીઓ તેનો ખોરાક વનસ્પતીનાં ફળ, બીજ, પર્ણ થડ, મુળ વગેરેમાંથી મેળવે છે. ત્યારે પ્રાણીઓનાં મળ, મુત્ર અને મૃત શરીર વનસ્પતીનો ખોરાક છે. કેવી અદ્‍ભુત કરામત કુદરતની ! મૃતદેહોનું જમીનમાં બૅક્ટેરીયાની મદદથી ફળદ્રુપ માટીમાં રુપાન્તર થાય છે. તે ૧૦૦% વૈજ્ઞાનીક સત્ય છે. તે રાસાયણીક ખાતર કરતાં પણ ઉત્તમ છે. સૃષ્ટી અને તેના નીયમો ઈશ્વરે જ બનાવ્યાં છે, તો શું અગ્નીસંસ્કારમાં તેની આજ્ઞાનું ઉલ્લંઘન નથી થતું ? શું કુદરતના નીયમથી વધીને કોઈ પરમ્પરા હોઈ શકે ? જીન્દગીભર જે દેહે લાખો-કરોડો વનસ્પતીનાં બીજ-પર્ણનો ઉપયોગ કર્યો હોય તે દેહ અન્તે તેના ખાતર તરીકે ખોરાક બની જાય તેમાં ખોટું શું છે ?

વીજ્ઞાનના વીકાસથી, રોગ અને યુદ્ધ ઘટતાં, વસ્તી અને પ્રદુષણ વધ્યાં છે. આઝાદી વખતે જે વૃક્ષો-જંગલો ૩૩% હતાં તે હવે માત્ર ૧૦% જ રહ્યાં છે અને વસ્તી ૩૦૦% વધી છે. ૫૦-૬૦ વર્ષ પહેલાં ભારતમાં કારખાનાં કે વાહનો ન હતાં. તે હવે લાખો-કરોડોની સંખ્યામાં થઈ ગયાં છે. વીમાનો, રૉકેટો, વીજમથકો, રસાયણો, યુદ્ધ–કવાયતોથી બેફામ પ્રદુષણ થઈ રહ્યું છે. બીજી બાજુ તે દુર કરનાર એક માત્ર શક્તી વૃક્ષો જ છે. બે ટકા નાગરીકો પણ તેના જીવનમાં એક વૃક્ષ વાવતા કે ઉછેરતા નથી. તેથી કુદરતી સમતુલા ખતરનાક હદે ખોરવાઈ રહી છે. પ્રગતી અને વીકાસ તો અટકાવી શકાય નહીં. કાપડ, દવાઓ, વસ્તુઓ કે વાહનોને કે વીજળી વગર કોઈને ચાલવાનું નથી. માટે વૃક્ષો વાવો-ઉછેરો અને જાળવો તથા વ્યય અટકાવો.

 

ભુમીદાહથી જમીન ઘટતી નથી. એક મૃતદેહના ભુમીસંસ્કાર માટે વધુમાં વધુ ૩(ત્રણ) ચો.મી. (૩૬ ચો. ફુટ) જમીન જોઈએ. વસ્તીની ગીચતા, મૃત્યુદર અને ઉપલબ્ધ જમીનની ગણતરી કરતા દફનમાં ૫૦૦ વર્ષ સુધી માત્ર ૧% જમીન પુરતી છે. જ્યારે આપણા દેશમાં ૧૫% થી ૨૦% જમીન પડતર છે. ભારતની કુલ જમીનના માત્ર ૨૦% થી ૨૫%માં જ ખેતી થાય છે. ટુંકમાં, જોઈએ તો, બે લાખની વસ્તી ધરાવતા નગર માટે (દફનમાં) અંદાજે ૧ હૅક્ટર જમીન જોઈએ; પણ અગ્નીસંસ્કારનાં લાકડાં માટે ૧૦૦ હૅક્ટર જમીનમાં વૃક્ષો વાવવાં પડે. વૃક્ષો હોય ત્યારે ૧૦-૧૨ ફુટના ઘેરાવામાં ખેતી કે બાંધકામ તો થઈ શકતું નથી ! તો શું જમીન ઘટી ન ગણાય ? પરન્તુ જમીન રોકવાનું, બગાડવાનું અનેક સમસ્યાનું ખરું કારણ તો વસ્તીવીસ્ફોટ જ છે. તેનો તો કોઈ વીરોધ કરતું જ નથી. છેલ્લાં ૫૦ વર્ષોમાં ગામડાંઓ બમણાં અને શહેરો ૨૦ થી ૩૦ ગણાં વીસ્તરી ગયાં છે !

 

આપણા ખેતીપ્રધાન દેશમાં વરસાદ માટે વૃક્ષો ખુબ અગત્યનાં છે. વૃક્ષો અને જંગલો ઘટતાં વરસાદ ઘટ્યો છે. વૃક્ષો ફળો અને લાકડાં આપે છે. ઉપરાન્ત, રંગ, રબર, રસાયણો, દવાઓ, કાગળ જેવી અનેક વસ્તુઓ પણ આપે છે. વૃક્ષો જમીનનું, કાંપનું ધોવાણ અટકાવે છે. વાતાવરણને વીષમ બનતું અટકાવે છે. રણમાં વૃક્ષોના અભાવે જ અતી ઠંડી અને અતી ગરમી પડે છે. પહેલાં ખેતીનાં ઓજારો, ગાડાંઓ, હોડીઓ, પુલ, મકાનો વગેરે ૧૦૦% લાકડાનાં જ હતાં. હવે તેમાં ૧૦% પણ લાકડાં વપરાતાં નથી. વીજ્ઞાનના વીકાસથી લોખંડ, એલ્યુમીનીયમ, સીમેન્ટ અને પ્લાસ્ટીકનો વપરાશ ખુબ વધ્યો છે, તેટલાં લાકડાં અને વૃક્ષો બચ્યાં છે. રંગ, વાર્નીશ, સનમાઈકાના ઉપયોગથી લાકડાનું આયુષ્ય વધારી તેનો બચાવ પણ કરી શકાયો છે. બીજી તરફ બળતણ તરીકે ગેસ, કેરોસીનના વપરાશથી લાકડાંનો ઘણો નાશ અટકાવી શકાયો છે. આમ વીજ્ઞાને ઘણાં વૃક્ષો બચાવ્યાં છે. તેની સામે વસ્તીવધારાએ બળતણનો વપરાશ પણ વધાર્યો છે. જેનાથી વૃક્ષો ઘટ્યાં છે.

 

ઈલેક્ટ્રીક સગડીથી રસોઈ મોંઘી પડે તેમ વીદ્યુત/ગૅસ સ્મશાન પણ ખુબ મોંઘું જ પડે; કારણ કે વીજળી ઉત્પન્ન કરવા માટે પણ લાકડાં, કોલસા, ગૅસ કે પેટ્રોલીયમ જેવા ઉર્જાસ્રોતોની જરુર પડે છે. દા.ત. ૫ કીલો કોલસાથી જે રસોઈ થઈ શકે તે જ રસોઈ જો વીજળીથી કરીએ તો વીજ મથકમાં ૧૦ કીલોથી વધારે કોલસા જોઈએ. વીજળીના સેંકડો ઉપયોગો છે. પ્રકાશ, યાન્ત્રીક અને અન્ય શક્તી માટે તે વધારે સુયોગ્ય છે. કારણ કે તેના માટે સીધાં લાકડાં કે કોલસા વાપરી શકાતાં નથી. કમ્પ્યુટર, ફ્રીઝ, લાઈટ, ઈલેક્ટ્રીક મોટર વગેરે લાકડાં/કોલસાથી કેમ ચલાવાય ? એક વીદ્યુત સ્મશાનગૃહની કીંમત રુપીયા ૮૦ થી ૯૦ લાખ થાય છે. એક નાના ગામ કે કારખાનાની જરુરીયાત જેટલી રાક્ષસી વીદ્યુતનો વ્યય તેમાં થાય છે અને તેમાં વીજળી બીલ તથા નીભાવ ખર્ચ મહીને લાખોમાં થાય છે. વીજળી તથા ઉર્જા બચાવવાની ઝુંબેશ ચાલે છે. ત્યારે આ રીતે વીદ્યુત વાપરવી (વેડફવી) યોગ્ય વીકલ્પ કેમ ગણાય ? અને વળી, તે પ્રદુષણમુક્ત પણ નથી.

 

આજે સમગ્ર દુનીયા ઉર્જાસંકટમાં ઘેરાયેલી છે. પેટ્રોલીયમનો વીકલ્પ શોધી શકાયો નથી. જ્યારે ૨૦-૨૫ કે ૫૦ વર્ષો પછી પેટ્રોલીયમ પેદાશો ખલાસ થઈ જશે. ત્યારે એક માત્ર સુર્ય ઉર્જાસ્રોતથી ઉત્પન્ન થયેલાં લાકડાં જ હશે. (પેટ્રોલ, ડીઝલનો વરસાદ થોડો થાય છે ?) અત્યારથી વૃક્ષો નહીં વાવીએ, જાળવીએ તો ત્યારે ખોરાક રાંધવા માટે પણ લાકડાં નહીં મળે. કેમ કે વૃક્ષો ઉગતાં વર્ષો લાગે છે. (મનુષ્ય સીવાય બીજા કોઈ પ્રાણી પ્રદુષણ કરતાં નથી.) જીવનપર્યન્ત એક વ્યક્તીને માત્ર રસોઈમાં જ ૪-૫ ટન લાકડાં (અંદાજે ૨-૩ વૃક્ષો) જોઈશે. બીજા દેશો કરતાં આપણી સમસ્યા વધારે ગંભીર હશે; કારણ કે આપણા દેશની વસ્તી–ગીચતા ૮ થી ૧૦ ગણી (૯૦૦%) વધારે છે.

આ ઝડપે પ્રદુષણ ચાલુ રહે તો પૃથ્વી પણ ભવીષ્યમાં નીર્જન ગ્રહ બની શકે છે. ઔદ્યોગીક વપરાશ, બહોળા વાહનવ્યવહાર અને અનેક પ્રકારના દહનથી હવામાં કાર્બન ડાયૉક્સાઈડ અને ગરમી સતત વધતી રહે છે. પૃથ્વીનું વાતાવરણ વધુ બગડે તો હીમપ્રપાત, ધરતીકંપ, સુનામી, વાવાઝોડાં વધી શકે છે. ઓઝોનના પડને વધુ નુકસાન થાય તો સુર્યનાં અલ્ટ્રાવાયોલેટ કીરણો સમગ્ર સજીવ સૃષ્ટીનો નાશ કરી નાંખે. પ્રદુષણની બીજી પણ ઘણી આડ અસરો છે. મચ્છરોનો ત્રાસ, પાણીની તંગી અને ગરમ હવામાન વગેરે તથા તેના લીધે અનેક પ્રકારના રોગો અને મૃત્યુમાં વધારો થાય છે. પ્રલયની ખોટી આગાહીઓથી ડરતી પ્રજા આ વાસ્તવીકતા કેમ ભુલી જાય છે ? પોતાના અસ્તીત્વનો વીચાર ન કરી શકે તે મનુષ્ય જાતને વીશ્વના સૌથી બુદ્ધીશાળી પ્રાણી કહેવડાવવાનો કોઈ અધીકાર છે ?

દફન પદ્ધતી પુરી દુનીયામાં છે. મુસ્લીમ, ખ્રીસ્તી ધર્મના ઉદ્‍ભવ (૧૪૦૦–૨૦૦૦ વર્ષ) પહેલાં પણ હતી. જે દેશોમાં દફનથી જમીન રોકાવાની સમસ્યા છે તે માત્ર તેના રીવાજ અને ખાસ (પવીત્ર) કબ્રસ્તાનમાં દફન કરવાના આગ્રહને કારણે છે. જ્યાં મૃતદેહોને જમીનમાં કૉફીન કે પોલાણમાં સુરક્ષીત રાખવામાં આવે છે તથા તેની ઉપરની કબરો સેંકડો વર્ષો સુધી તોડાતી નથી. દફનથી જમીન રોકાય, જળ પ્રદુષણ થાય, રોગચાળો ફેલાય, તેવા વારમ્વારના પ્રચાર-પ્રહારથી આપણે હીપ્નોટાઈઝ્ડ થઈ ગયા છીએ અથવા આપણું એટલું જ સાચું-સારું એવા સંકુચીત પુર્વગ્રહથી પીડાઈએ છીએ. વાસ્તવમાં દફનથી જમીન ફળદ્રુપ બને છે. છોડ-વૃક્ષ વધુ ઝડપથી ઉગે છે, ફળે-ફુલે છે. આ અનુભવ સીદ્ધ સત્ય છે. આપણા દેશમાં પ્રાણીઓને તો બાળવામાં આવતાં જ નથી.

 

હીન્દુ શાસ્ત્રોમાં શબના નીકાલની ચાર પ્રથાઓ છે. વેદ, પુરાણ, ઉપનીષદ તથા અન્ય શાસ્ત્રોમાં ભુમીદાહને પ્રાધાન્ય છે. તથા વાયુદાહ પણ છે. જેમાં શબને ટેકરા કે જંગલમાં મુકી આવવાની રીત છે. ઋગવેદ ૧૦/૧૮/૯,૧૦ અથર્વવેદ ૧૮/૨/૩૪,૫૦,૫૧,૫૨ અને ૧૮/૪/૪૮,૬૬, ગરુડપુરાણ ૧૧/૧૦૫.૧૦૬માં ભુમીદાહ ઉત્તમ ગણવામાં આવ્યું છે. આપણી સંસ્કૃતીમાં સર્વ જીવો પ્રત્યે દયા રાખવી, હીંસા ન કરવી, પ્રકૃતીના ઉપકાર પ્રત્યે કૃતજ્ઞતા દાખવવી જેવા અનેક ગુણોને આધારસ્તંભ ગણાવાયા છે. વનસ્પતીમાં જીવ છે અને તે ઘણાં જીવોનો આધાર છે. પણ જ્યારે (હોળી, હવન) અગ્નીદાહમાં વૃક્ષો ઉપરાન્ત લાકડામાંનાં અસંખ્ય જીવ-જંતુઓનો નાશ થાય છે તે દુનીયાની સૌથી અહીંસક એવી જૈન-હીન્દુ પ્રજાને કેમ શોભે ?

 

સત્યમાં શ્રદ્ધા હોય તો, જમીન દ્વારા પણ મૃતદેહ પંચમહાભુતમાં વીલીન થઈ શકે છે. જમીનમાં પણ જળ, વાયુ અને અગ્ની (ગરમી) રહેલાં છે જ. આપણે મૅડીકલ સાયન્સનો લાભ લીધો તેનું ઋણ ચુકવવા દેહદાન, નેત્રદાન અને રક્તદાન કરવાં જ જોઈએ. ભારતની ૧૦૦ કરોડની વસ્તીમાં વર્ષે ૧.૫% થી ૨% મૃત્યુ થતાં હોય છે. તો દેશની કુલ મૅડીકલ કૉલેજોમાં દેહદાનની જરુરીયાત ૨૦ થી ૩૦ હજારની (૦.૨%) હોય છે. માટે ૯૯.૮%ના મૃતદેહો માટે આદર્શ અન્તીમક્રીયા વીચારવી જરુરી છે.

 

ભુમીસંસ્કાર એક સમ્પુર્ણ ભારતીય, નવીનતમ પદ્ધતી છે. તેમાં શબને જમીનની અંદર, માટીના સમ્પર્કમાં આદર્શ દફન કરવાનું છે (સમાધીની જેમ). જેમાં તેનું ઝડપથી માટીમાં રુપાન્તર થઈ જાય અને તેના પર કબર કે કોઈ સ્મારક ચણવામાં આવતું નથી. પણ શક્ય હોય ત્યાં સુધી વૃક્ષ વાવવામાં આવે, જેથી વનીકરણને વેગ મળે. વળી તે જમીન પર મૃતકના વારસદારોનો કોઈ પ્રકારનો હક્ક કે દાવો રહેતો નથી. તેથી ભવીષ્યમાં તે જમીનનો ખેતી, રસ્તા, રહેઠાણ માટે કે અન્ય ઉપયોગ કરી શકાય. આમ ભુમીસંસ્કાર દુનીયાની સૌથી સારી, સસ્તી અને પ્રકૃતીગત પદ્ધતી બની રહેશે. તેમ છતાં આ વીચાર ભલે અત્યારે અપનાવી ન શકાય; પણ વીચારી તો જરુર શકાય. તો કદાચ ૨૫-૫૦ વર્ષે અમલ થાય. પર્યાવરણ પ્રત્યે જાગૃત થઈએ તો પણ ઘણું છે.

 

અમારો હેતુ લોકહીત, રાષ્ટ્રીય સમ્પત્તી અને પર્યાવરણ રક્ષવાનો છે. રાષ્ટ્રથી વધીને કોઈ ધર્મ કે સંસ્કૃતી ન હોઈ શકે. આપણા સૈનીકો દેશ માટે જાન આપી દે, ને આપણે પરમ્પરાને રોઈએ છીએ ! આ પવીત્ર કાર્યમાં સૌએ આગળ આવવું જોઈએ. આ વીષય પર વધુ વીચાર, બૌદ્ધીક અભ્યાસ કરી શકાય. (આ પુસ્તક “ભુમીસંસ્કાર”નો ટુંક સાર છે. જેને છપાવવા/પ્રસરાવવા મારી કોઈ પરવાનગીની જરુર નથી.)

 

(નોંધ: ભાઈ વીનોદ વામજા ભારત સરકારના ટેલીફોન ખાતામાં ઈજનેર છે. છેક ૧૯૯૪માં એમણે સ્વખર્ચે ‘ભુમીસંસ્કાર – આદર્શ અન્તીમક્રીયા’ પુસ્તીકાની પ્રથમ આવૃત્તી કરેલી. ત્યાર પછી તો તેની સંશોધીત ચારેક આવૃત્તીઓ થઈ. ગુજરાતીઓએ આ વીચાર અને તેની તલસ્પર્શી છણાવટને વધાવી. સુરતના નીવૃત્ત બૅંક અધીકારી શ્રી નરેન્દ્ર જાનીએ એનો અંગ્રેજી અનુવાદ કરી સ્વખર્ચે દેશ–વીદેશ વહેંચી. તે ૮૦ પાનની પુસ્તીકાના લખાણમાંનું આ આચમન છે. તે પુસ્તીકા લીન્ક નીચે આપી છે. માંડ ત્રણસો કેબીની આ પુસ્તીકા વાચકને નવી નજર આપવા સક્ષમ જણાશે. મને લખશો તો હું પણ તમને પુસ્તીકાની પીડીએફ મોકલી શકીશ

 

 

 

 

♦   BOOK : BHUMI-SANSKAAR_by_VINOD VAMJA    ..ગોવીન્દ મારુ

લેખક સમ્પર્ક: શ્રી. વીનોદ બી. વામજા, ૨, સુંદરમ્ પાર્ક, જીરાપા પ્લોટ, ગરબી શેરી, ઉપલેટા – ૩૬૦ ૪૯૦ સેલફોન: 94272 14915

લેખકની પુસ્તીકા : ‘ભુમીસંસ્કાર – આદર્શ અન્તીમક્રીયા’: પ્રકાશક અને પ્રાપ્તીસ્થાન : શ્રી. વીનોદ બી. વામજા : રેશનલ પ્રકાશન, ૨, સુન્દરમ્ પાર્ક, જીરાપા પ્લોટ, ગરબી શેરી, ઉપલેટા – ૩૬૦ ૪૯૦ સેલફોન: 94272 14915– આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

લેખનું સાભાર અક્ષરાંકન: અશોક મોઢવાડીયા, ૧૯/બી. સાંઈબાબા સોસાયટી, આંબાવાડી, જુનાગઢ. ૩૬૦ ૦૦૨.. મેઈલ: ashokmodhvadia@gmail.com બ્લોગ: http://vanchanyatra.wordpress.com

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com

 

♦●♦●♦ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

 

♦●♦ દર સપ્તાહે મુકાતા ‘રૅશનલ વીચારો’ માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ: http://govindmaru.wordpress.com

પોસ્ટ કર્યા તારીખ: 25–10–2012

 

 
2 ટિપ્પણીઓ

Posted by on નવેમ્બર 3, 2012 in Uncategorized

 

2 responses to “શું શ્રેષ્ઠ ?? અગ્નીસંસ્કાર કે ભુમીસંસ્કાર ?

 1. vkvora Atheist Rationalist

  નવેમ્બર 4, 2012 at 10:06

  અગ્ની સંસ્કાર કરતાં ભુમી સંસ્કાર સહેલું છે.

  કોઈ જાતનો વેડફાટ નહીં, ધુમાડો નહીં.

  ભુમી સંસ્કારમાં ખરચ પણ ઓછો આવે.

  આર્યો પહેલાં તો ભુમી સંસ્કાર હતો જ.

  આર્યોએ આવી અગ્ની સંસ્કારનું તુત દાખલ કર્યું.

  મડદાને બાળ્યા પછી રાખમાંથી હાડકા સોધવા માંડયા અને એના વીસર્જન માટે અલગ વીધી વીધાન કર્યા.

   
 2. Jignesh

  નવેમ્બર 5, 2012 at 21:13

  વિચાર યોગ્ય વાત છે. સદીઓથી ઘર કરી ગયેલી અને રૂઢીમાં તબ્દીલ થઇ ચુકેલી આ સડેલી માન્યતાને વિચાર પુર્વક અને યોગ્ય રીતે અમારી સમક્ષ રાખવા બદલ શ્રી વામજા અને ઠાકરભાઇનો સહ્રદય આભાર.

   

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: